Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

રાજયભરમાં સ્વાઇન ફ્લુનો કહેર જારી : લોકોમાં દહેશત

સ્વાઇન ફ્લુનો ભરડો : મૃતાંક વધીને ૧૭૦થી વધુ : સ્વાઇનફ્લુની પરિસ્થિતિ કાબૂમાં હોવાનો સરકારનો દાવો પણ વાસ્તવિક સ્થિતિ બિહામણી હોવાનું ચિત્ર સપાટીએ

   અમદાવાદ,તા. ૧૨ : રાજયભરમાં સ્વાઇન ફલુના કહેરને બેકાબૂ અને ભયાનક બનેલી સ્થિતિને લઇ હવે ગુજરાત સરકાર સ્થિતિ કાબૂમાં હોવાના દાવા સાથે આજે કૂદી પડી હતી અને પૂરતા ડોકટરો, પૂરતી દવાઓ અને પૂરતી સવલતો સાથે સ્વાઇન ફલુના દર્દીઓને સારવાર અપાઇ રહી હોવાના અને સ્વાઇન ફલુને કંટ્રોલમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવમાં, રાજયભરમાં સ્વાઇન ફ્લુની ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ છે.  સરકારના આ દાવાઓ બીજુ કંઇ નહી પરંતુ પોતાની નિષ્ફળતા અને આ ખતરનાક વાયરસ સામે લડવાની બિનઅસરકારકતા છતી ના થઇ જાય તેનો એક પ્રયાસ માત્ર છે. ખુદ સરકારના આંકડા પ્રમાણે, રાજયભરમાં અત્યારસુધી સ્વાઇન ફલુના કારણે ૧૭૦થી વધુ લોકોના મોત થયા છે, જયારે ૧૩૫૦થી વધુ સ્વાઇન ફલુ પોઝીટીવના કેસો સામે આવ્યા છે. જો સરકારનો આંકડો આટલો મોટો હોય તો, રાજયનો સ્વાઇન ફલુ પોઝીટીવના અને મૃત્યુનો આંક કેટલો ઉંચો હોઇ શકે તે સ્વાભાવિક રીતે સમજી શકાય એમ છે. સ્વાઇન ફલુના ભરડામાં આજે પણ સુરત, બનાસકાંઠાના દિયોદર સહિતના પંથકોના નાગરિકોનો ભોગ લેવાયો હતો. જેના કારણે સ્વાઇન ફલુથી રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહ્યો હતો. તો, સ્વાઇન ફલુના કારણે વધતા જતાં મૃત્યુ આંક વચ્ચે સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજયમાં સૌથી વધુ મોત અત્યાર સુધીમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં ૫૭થી વધુ નોંધાયા છે. આજે પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, કચ્છ-ભુજ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સ્વાઇન ફ્લુ પોઝીટીવના નવા કેસો નોંધાયા હતા. સ્વાઇન ફુલના ભયાનક સ્વરૂપને જોતાં આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી તાજી પરિસ્થિતિ જાણી હતી અને સ્વાઇન ફલુની સારવાર અને તેને નિયંત્રણ સંબંધી જરૂરી સૂચનો પણ કર્યા હતા. તો, રાજયના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ પણ સ્વાઇન ફલુની પૂરતી દવા ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો. જો કે, આ તમામ સરકારી દવાઓને સ્વાઇન ફ્લુની રાજયની વાસ્તવિક સ્થિતિ જાણે પોકળ સાબિત કરી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફલુ પોઝીટીવના કેસો અને ટપોટપ મરી રહેલા નાગરિકોના આંક પરથી જ સરકારના દાવા ખુલ્લા પડી જાય છે.

   પોઝીટીવ કામગીરીનું ચિત્ર સરકાર દ્વારા રજૂ

   (૧)   રાજયની નવ મેડિકલ કોલેજોની લેબમાં સ્વાઇન ફલુનું વિનામૂલ્યે ટેસ્ટીંગ

   (૨)   તમામ સરકારી હોસ્પિટલોમાં ૬૮૦થી વધુ આઇસોલેશન બેડની વ્યવસ્થા

   (૩)   સ્વાઇન ફુલ માટે ૧૭ હજાર આરોગ્ય કર્મચારીઓની ટીમ તૈનાત

   (૪)   રાજયના પાંચ હજાર તબીબો અને ત્રણ હજાર આયુષ ડોકટરો પણ તૈનાત

   (૫)   રાજયની ૪૦ હજાર આશાવર્કર બહેનો પણ સ્વાઇન ફલુની સેવામાં જોડાઇ

   (૬)   આરોગ્યવિભાગ હવે આયુર્વેદિક ઉકાળા લોકોને પીવડાવશે

   (૭)   રાજયમાં સ્વાઇન ફુલની ટેમી ફલુ સહિતની દવાઓનો પૂરતો જથ્થો છે

   (૮)   જેમાં પંદર લાખથી વધુ  કેપ્સ્યુલ ઓસલ્ટામીવીર અને બાળકોની સીરપ

 (07:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS