Samachar Gujarat

News of Saturday, 12th August, 2017

પાણીગેટ પોલીસમથકના ખાતમૂર્હુત અંગેના

ગૃહમંત્રી જાડેજાના કાર્યક્રમનો શમિયાણો તૂટી જતા નાસભાગ

ભાજપ કાર્યકરો, પોલીસ જવાનો અને મજૂરોનો આબાદ બચાવ : ઘટના પહેલા ગૃહમંત્રી પણ નીકળી જતાં બચાવ

ગૃહમંત્રી જાડેજાના કાર્યક્રમનો શમિયાણો તૂટી જતા નાસભાગ

   અમદાવાદ,તા. ૧૨ : વડોદારના પાણીગેટ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા પાણીગેટ પોલીસમથકના ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ  જાડેજાના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ સંદર્ભે ઉભુ કરાયેલ વિશાળ શમિયાણો તૂટી પડતાં ભાજપના કાર્યકરો, પોલીસ કર્મચારીઓ અને મજૂરોનો આબાદ બચાવ થયો હતો. કાર્યક્રમ પૂરો થયા તેની પંદર મિનિટ પહેલાં જ ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નીકળી ગયા હોઇ શમિયાણો તૂટી પડવાની ઘટનામાં તેમનો પણ એક રીતે આબાદ બચાવ થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું કે, જો કાર્યક્રમ દસથી પંદર મિનિટ હજુ મોડો પૂર્ણ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. જો કે, શમિયાણો તૂટવાની ઘટનાને લઇ ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં સુલેમાનની ચાલીની વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે નવું પાણીગેટ પોલીસ સ્ટેશન બનાવવાનું આયોજન છે અને તેના ભાગરૂપે આજે ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પોલીસમથકના ખાતમૂહુર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે ઉપરોકત સ્થળે વિશાળ શમિયાણો-સ્ટેજ ઉભા કરાયા હતા. જેમાં ભાજપના કાર્યકરો, અગ્રણીઓ, સ્થાનિક પોલીસતંત્રના જવાનો-અધિકારીઓ વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જો કે, કાર્યક્રમ પૂરો થયા બાદ ગૃહમંત્રી તેમના કાફલા સાથે રવાના થઇ ગયા હતા પરંતુ બીજીબાજુ, તેમના ગયાની દસ-પંદર મિનિટમાં જ ભારે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો, જેમાં આખો શમિયાણો ધડામ..દઇ તૂટી પડયો હતો. જો કે, શમિયાણો અચાનક તૂટી પડવાની ઘટનામાં એ વખતે હાજર કાર્યકરો, પોલીસ કર્મચારીઓ અને શમિયાણો છોડવા માટે હાજર રહેલા મજૂરોનો આબાદ બચાવ થયો હતો. ગૃહરાજયમંત્રી પહેલા જ નીકળી ગયા હોઇ તેમનો પણ આબાદ બચાવ થયો હતો. બીજીબાજુ, શમિયાણો તૂટી પડવાની આ ઘટનાને પગલે ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી. પોલીસ અને ફાયબ્રિગેડ દ્વારા તાત્કાલિક જ બચાવ અને મદદની કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનામાં કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહી નોંધાતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.

 (07:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS