Samachar Saurashtra

News of Friday, 6th January, 2017

માઁ ખોડલનું મહાત્મય : ભગવાન શિવજીની કૃપાથી મામડદેવ અને દેવળભાઇને એક પુત્ર અને સાત જોગમાયા અવતર્યા

ઇ.સ. ૮૫૦માં ખોડીયાર માતાએ ગળાધરામાં દેહ ઓગાળી નાખ્યો અને માત્ર મસ્તક જ બહાર રાખ્યું : ખોડીયાર માતાનું વાહન મગર અને પ્રતીક દેવચકલી છે, આયુધ ત્રિશુલ છે ખોડલ માતા સહિત સાત બહેનો અને એક ભાઇનું પ્રાગટ્ય ભગવાન શિવના આશિષથી થયું

   

      રાજકોટ : લેઉવા પટેલનું અધિકાંશ ધાર્મિક કેન્દ્ર તેમના કુળદેવી ખોડીયાર માતા છે. જેે મંદિરોમાં ખોડીયાર માતા મૂર્તિરૂપે બિરાજે છે એ તેમના ભકતો માટેનું મહાન તીર્થધામ છે. માતાજીના સંબંધમાં અનેક ઘટનાઓ એવી ઘટી છે કે તેમનું અનેક સ્થાનો પર સ્થાયી થવુ એ કોઈ આશ્ચર્યની વાત નથી. માતાજીના ભકતો દ્વારા વિભિન્ન સ્થળોએ સ્થાપિત - આરાધીત હર શ્રીવિગ્રહોમાં અચિન્તય શકિત હોય એ સ્વાભાવિક છે. શાસ્ત્રોકત કથન અનુસાર મંદિરના નિર્માણની સમાન મૂર્તિના નિર્માણનો પણ કર્મ આગમવિહિત હોય છે. મૂર્તિ - નિર્માણ સંપન્ન થઈ જવા પર પ્રતિષ્ઠાનું કાર્ય થાય છે. પ્રતિષ્ઠાની દૃષ્ટિથી માતાજી પોતાના સંકલ્પાનુસાર મૂર્તિમાં શકિતરૂપે બિરાજમાન રહે છે અને તેના ભકતો તથા શ્રદ્ધાળુઓ પર કૃપા કરતા રહે છે. ખોડીયાર ર્માંની ઈચ્છાથી આવા જ એક શકિત - સ્થાનમાં ખોડલધામનું નિર્માણ કાગવડ ગામમાં થયુ છે એ એક ઐતિહાસિક ઘટના છે.

      પૂણ્યભૂમિ સૌરાષ્ટ્રમાં ચારણ કોમ દેવીપુત્ર કહેવાય છે. તેમનામાં જન્મેલા નારી રત્નોએ સૌરાષ્ટ્ર ભૂમિના યશમાં ખૂબ જ વધારો કર્યો છે. જેમ કે સતી નાગબાઈ   ,    સાંઈ નેહડી   ,    માં કામબાઈ કે જેને જામનગર નરેશે માતાના બદલે ભાભી સંબોધન કર્યુ જે આઘાતથી તેમણે પોતાના દેહના કટકે કટકા કરી નાખ્યા હતા. ચારણ જ્ઞાતિના પૂજય તો મનાય છે   ,    પરંતુ જ્ઞાતિમાં અનેક નારી રત્નોએ સતી - સાધ્વીના પવિત્ર પદની મહત્તા વધારી છે.

      ચારણ કીર્તિ જાળવે   ,    ચારણ પવિત્ર નામ   ,

      શિર સાટે ગઢ સાચવે   ,    ગઢવીના એ કામ.

      ચારણ ચોથો વેદ   ,    વણ પઢ્યો વાતુ કરે. ભાખે અગમ ભેદ   ,    એની જીભે જોગણી.

      ચારણની જીભે જોગણી હોય તો કુખે જોગમાયા હોય. આવુ ગૌરવપૂર્ણ પદ માતા ખોડીયારને મળ્યુ છે. જે આજે ખોડીયાર ઘેર - ઘેર પુજાય છે. તેની યશગાથાઓ ગવાય છે. માં ખોડીયાર લેઉવા પટેલોના કુળદેવી છે. લગ્ન સહિતના હર શુભ પ્રસંગોની કંકોત્રીમાં ભગવાન ગણેશજી સાથે માં ખોડીયારનું નામ અવશ્ય હોય છે. ગણેશ ભગવાન જેમ વિઘ્નહર્તા છે તેમ શુભ પ્રસંગમાં કુળદેવીની પૂણ્ય છાયા છત્રની જેમ રક્ષા કરે છે. કુળદેવીની કૃપાથી કશુ અસંભવ નથી. જરૂર છે માત્ર સાચી શ્રદ્ધાની.

      માતા ખોડીયાર આપણા કુળદેવી છે અને માતાની જેમ જ આપણુ રક્ષણ કરે છે. માતા ઉપર જગતા જીવનનો આધાર છે. તો કોઇપણ સમાજની ઉન્નતિ અને પ્રેરાતા શુભ સંસ્કાર તેમજ ધર્મ (નીતિ)નું પ્રાબલ્ય માતા ઉપર મોટો આધાર રાખે છે. ખરૂ કહીએ તો માતા એ જગતનો ગુરૂ સંચાલક છે. જીવનનુ બંધારણ જીવન પરિચયના સંસ્કારથી ઘડાય છે. એ માન્ય નિયમનો વિચાર કરીને આજના લેખમાં ખોડીયાર મહાત્મયના કથાનુયોગને પ્રમાણક્ષેત્ર કોટીમાં અનુકરણીય દૃષ્ટાંતો સાથે રજૂ કર્યુ છે. ખોડીયાર માતાજીનું સ્મરણ - વંદન - પૂજન નિરંતર થવાથી આપણો પૂજ્યભાવ વિશેષ બળવત્તર થવા પામે એવો શુભ હેતુ અને આશય છે. વાયુનો સંચાર જેમ ગમે તેવા ગુપ્ત સ્થાનમાં પણ હોય છે તેમ ગુજરાતમાં લેઉવા પટેલનું કોઈ એવુ એકેય ઘર નહીં હોય કે જયાં ખોડીયાર માતાના નામનો શબ્દરવ પહોંચ્યો ન હોય અને માતાજીના પવિત્ર જીવનનું વૃત્તાંત ન જાણતા હોય. ખોડલ માતાના જીવનની કળાના થોડા અંશનો પરિચય આપવા માટે અહીં તેના સંક્ષેપ ચરિત્રનું આલેખન માતાજીની ક્ષમાપના સાથે ક્ષમતા પ્રમાણે કર્યુ છે.

      ગોહિલવાડ (ભાવનગર જીલ્લો)ના પાળીયાદ પાસે રોહીશાળા ગામે મામૈયા (મામડદેવ) નામે એક પ્રભુભકત ચારણ રહેતા હતા. તેમના પત્નિનું નામ દેવળબાઈ હતું. તેઓ પણ એક આદર્શ સતી હતા. દેવળબાઈ વલ્લભીપુરની દિકરી હતા. દેવળબાઈના માતા ભગવાન શંકરના પ્રખર ભકત હતા. આથી દેવળબાઈ તેની માતા સાથે શિવદર્શન કરવા રોજ મંદિરે જતા. જેથી આ સંસ્કાર દેવળબાઈમાં પણ આવ્યા હતા. તેમના પતિ મામડદેવ પણ પ્રભુપ્રેમી હતા. મામડદેવમાં અજબ કવિત્વશકિત હતી   ,    તેમનામાં વંશપરંપરાગત ઉતરી આવેલી હતી. વલ્લભીપુરમાં એ વખતે શીલાદીત્ય નામના રાજા રાજય કરતા હતા. માડદે રાજાના ખાસ સલાહકાર હતા. શિલાદીત્યને પણ મામડદેવની બુદ્ધિપ્રતિભાનો ઘણો લાભ મળી ચુકયો હતો   ,    આથી રાજા મામડદેવને ગુરૂ જેટલુ જ મહત્વ આપતા. મામડદેવને રાજાના સલાહકાર કહો કે મુખ્ય પ્રધાન કહો કે દીવાન કહો બધુ જ તે હતા. એક દિવસની વાત છે - બીજા રજવાડાના એક ચારણ કવિ શિલાદીત્યના દરબારમાં આવી ચડ્યા અને ભરી સભામાં એક દુહાનો જવાબ માંગ્યો   ,    દુહો આ પ્રમાણે હતો :

      જલથી પાતળું કોણ છે   ?    કોણ અગનથી ભારી   ?

      દૂધથી ઊજળું કોણ છે   ?    કોણ કાજળથી કાળી   ?

      રાજાએ ભરી સભામાં પંડિતો અને વિદ્વાનો તરફ આશાભરી નજર કરી પણ સૌ જવાબ આપવાના બદલે નીચુ જોઈ ગયા. ત્યારે રાજાએ પોતાના બીરબલ જેવા હોંશિયાર ગણાતા મામડદેવ સામે નજર કરી કહ્યું મામડદેવ ! આપણું ગૌરવ વધારે એવો જવાબ આપો ! જેવી આજ્ઞા મહારાજા કહીને ચારણ કવિ ઉભા થયા અને સભાજનોને બે હાથ જોડીને નમસ્કાર કર્યા પછી પ્રશ્ન કરનાર અતિથિ ચારણદેવ સામે જોઈને દુહાનો જવાબ દુહાથી આપતા કહ્યું   ,

      જળથી પાતળું જ્ઞાન છે   ,    ક્રોધ અગનથી ભારી   ,

      દૂધથી ઉજળો યશ છે   ,    કલંક કાજળથી કાળી.

      સાંભળી પ્રશ્નકાર ચારણ સભામાં બોલી ઉઠ્યા વાહ   ,    મામડદેવ વાહ ! ધન્ય છે તમને. તમે તો તમારા વલ્લભીપુર અને રાજા શિલાદિત્યની કીર્તિને વધારનારો તદ્દન સાચો જવાબ આપ્યો છે. સભામાં વાહ - વાહના પોકારો થયા   ,    પણ મામડદેવ તો જરાય અભિમાન કર્યા વગર શાંતિથી પોતાના સ્થાને બેસી ગયા. પણ રાજા શિલાદિત્યએ કવિની કદર કરવા તરત જ પોતાના ભંડારમાં ગૌરવરૂપે સાચવી રાખેલા અણમોલ અને યાદગાર સોનાની મુઠવાળી તલવાર મંગાવી ભરી સભામાં તે મામડદેવને આપી તેનું સન્માન કર્યુ. પરંતુ મામડદેવ તો નિઃસ્પૃહ હતા. એક નાના રજવાડા જેવી સમૃદ્ધિ મામડીયા દેવના ઘેર હતી. અસલ ગીર ગાયોનું ઘણ તેને આંગણે હતું. વિકો નામનો ગોવાળ આ ગાયોનું રખેવાળુ કરતો. મામડદેવ ચુસ્ત શિવભકત હતા. પણ મામડદેવને ત્યાં શેર માટીની ખોટ હતી. તો બીજી બાજુ રાજા શીલાદીત્યને ત્યાં પણ સંતાન નહોતુ. રાજાએ રાજનો વારસદાર મળે એ માટે ઘણા ઉપાય કર્યા અને અનેક ક્રિયાકાંડ કરાવ્યા છતા પણ કંઈ પરિણામ આવ્યુ નહી. આ સમયે કોઈ અંધશ્રદ્ધાળુ પંડિતે રાજાના મનમાં એવુ ઠસાવી દીધુ કે રાજા રોજ સવારથી લઈને સાંજ સુધી પુત્રવિહીન મામડીયા દેવનું મોઢું જુએ છે   ,    તેથી તેને સંતાનસુખ નથી. વિશેષમાં તેણે રાજાને એવી શંકામાં નાખ્યા કે   ,    જો સંતાનોત્સુક માતા-પિતા સંતાનહિન માણસનું મોં જુએ કે તેને આશ્રય આપે તો એ દંપતિ સંતાન સુખથી વંચિત રહે. રાજાએ પંડિતની વાતનો સ્વીકાર કર્યો. કેમ કે તેને તો રાજગાદીના વારસની ઝંખના હતી. રાજાએ એક સિપાહી દ્વારા મામડદેવને સંદેશા દ્વારા આખી વાત વિસ્તારથી કહી અને સાથે સાથે રાજ છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી. મામડદેવ બહુ જ વ્યથિત અને દુઃખી થયા. તેમણે પણ રાજાને સામો સંદેશો મોકલાવ્યો અને કહ્યુ કે મહારાજ ! મારા વિરોધીઓનું આ કામ કરે છે. આ વાંઝીયામેણાનો દોષ હું દૂર કરીને જ રહીશ. મારા માટે આ વાત અશકય નથી   ,    કેમ કે હું શિવભકત છું. ભગવાન શિવની ઘોર તપસ્યા કરી   ,    સંતાનો મેળવીને હું મારૂ વાંઝીયામેણુ ભાંગીશ ત્યાં સુધી આપને મારૂ મોં નહીં દેખાડું. આ પ્રમાણે પત્ર લખી સૈનિકને આપી મામડદેવ ઘોડા પર બેસી પોતાના ગામ રોહીશાળા આવ્યા અને આ માઠા સમાચાર દેવળબાઈને આપ્યા. દેવળબાઈના હૃદય પર પણ આભ તૂટી પડ્યા જેટલો આઘાત થયો. દેવળબાઈએ ચારણને હિંમત આપતા કહ્યુ કે ચારણ દેવ ! સંતાન સુખ ન હોવું એ મોટું દુઃખ નથી   ,    પણ તમે દેશવટો આપનાર રાજાને જે સંદેશો મોકલ્યો છે કે શિવજીની કૃપાથી સંતાન સુખ મેળવીને જ તમને હું મોઢું બતાવીશ. જો આ વચન સાર્થક કર્યે જ છૂટકો. બંને સાથે જંગલમાં જઈને તપસ્યા કરીશું. શિવજીને પ્રસન્ન કરીશુ અથવા બંને સાથે મૃત્યુને ભેટીશું.

      આ સાંભળી મામડદેવે કહ્યું - ના   ,    દેવી ના ! તમારે શિવજીની કૃપાથી માતા બનવાનો ભાર ઉપાડવાનો છે   ,    તેથી તમારા દેહને કષ્ટ આપવાની જરૂર નથી. તમારા દેહને તો દેવી સંતાનોના જન્મ યોગ્ય સાચવી રાખવાનો છે. જો શિવજી પ્રસન્ન નહીં થાય તો હું કમળ પૂજા કરીશ અને પછી દેવી ! આપને યોગ્ય લાગે તે કરજો. દેવળબાઈએ જવાબ આપ્યો - ભલે સ્વામી ! આપ જંગલમાં જઈને તપ કરો   ,    ત્યાં સુધી હું આપની રાહ જોઈશ અને જો કમળપૂજા કરી આપનું મસ્તક શિવજીના લીંગ પર ધરી દેવું હોય તો ધરી દેતા જરાય ખચકાતા નહીં. આપ નહીં હો તો પછી ચારણીયાણીએ જીવીને શું કરવાનું છે   ?    પણ આપની પાછળ મારૂ શિર ભગવાન શિવજીને ધરી દઈશ.

      આખરે જીવ્યા - મુઆના ઝાઝાના જુહાર કરીને મામડદેવ પગપાળા જંગલ તરફ રવાના થઈ ગયા. ઘોર જંગલ મધ્યે તેમણે જર્જરીત હાલતમાં શિવજીનું એક મંદિર જોયુ. સાપ   ,    જીવજંતુ અને ચામાચીડીયાના આવાસ જેવા આ મંદિરમાં મામડદેવે સાફ - સફાઈ કરી ચોખ્ખુ બનાવી દીધું. નદીમાંથી જળ લાવીને મંદિરને ધોઈ નાખ્યું. પછી પદ્માસન વાળી બિરાજમાન થયા અને એ અપૂજ શિવલીંગને પ્રાર્થના કરી ઁ નમઃ શિવાયનો જપ શરૂ કરી દીધો. એક દિવસ   ,    બે દિવસ એમ કરતા ભૂખ્યાને તરસ્યા એક મહિનો વીતી ગયો. બેસવાની શકિત ગુમાવી દેતા મામડદેવ પડી જાય છે અને સૂતા સુતા પણ તેના મુખમાંથી ઁ નમઃ શિવાયનો ઘોષ ચાલુ રહે છે. આખરે હાડપીંજર જેવુ શરીર અશકિતથી ઢળી પડે છે. મુખમાંથી નીકળતો મંત્રજાપ હવે મૌનરુપે હૃદયમાંથી નીકળે છે અને તેનો ધ્વનિ શિવજીના કૈલાસ પાર્વતીજી શિવજીને કહે છે કે   ,    પ્રભુ! તમે જલદી પ્રસન્ન થઇ જવાવાળા છો તો તમારા ભકતની આટલી બધી પરીક્ષા કેમ લીધી   ?    શિવજી કહે છે કે   ,    દેવી! મારે તેને વિશ્વકલ્યાણ માટે સંતાનો આપવા છે. જેમાં તેની પુત્રીઓ તમારી શકિતના અંશરૂપે જન્મ લેશે અને જગતના દુઃખો દૂર કરશે. તેઓ મારી પરીક્ષામાં સફળ થયા છે. આ સંવાદ થાય છે ત્યારે મામડદેવ જાગે છે અને ધીમે - ધીમે શકિત એકઠી કરીને બેસે છે અને કહે છે કે   ,    હે પ્રભુ! મારૂ તપ આપને ઓછું લાગ્યું હોય તો હું આપની મારા શિશકમળથી પૂજા કરૂ છું. એ સ્વીકારજો   ,    માર નાથ! એમ કહી આંખો બંધ કરી પોતાનું શિશ લીંગ પર નમાવે છે અને જય ભોળાશંભુ કહીને હાથમાંની તલવાર ઊંચી થઇને ગળા સુધી પહોંચે છે ત્યારે પોતાનો હાથ કોઇએ પકડી લીધો હોય તેવો અનુભવ તેને થાય છે. આંખો ખૂલતા આખું મંદિર પ્રકાશમય જુએ છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન થાય છે. શિવજી કહે છે - ઉઠ વત્સ! હું તારા તપથી અત્યંત પ્રસન્ન થયો છું. તારા તપનું કારણ હું જાણું છું   ,    મારૂ વરદાન છે કે તારી કિર્તી વધારે તેવા અને આઠ સંતાનો થશે. તેમાં સાત જોગમાયાઓ હશે અને એક પુત્ર થશે.

      આ પ્રમાણે શિવજીના વરદાનથી મામડદેવના ઘેર પ્રથમ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને ત્યારબાદ દર વર્ષે એક પછી એક એમ સાત પુત્રીઓ જોગમાયા રૂપે મામડદેવને ઘેર પધારે છે. પુત્રનું નામ મેરખીયો રાખ્યું છે જયારે પુત્રીઓના નામ (૧) આવળ (૨) જોગલ (૩) તોગલ (૪) હોલબાઇ (૫) બીજબાઇ (૬) ખોડલ અને (૭) સાંસાઇ રાખ્યા છે. મામડદેવ અને દેવળબાઇ આ સર્વે સંતાનોને રોજ શિવમંદિરે દર્શન કરવા લઇ જાય છે. શિવભકિતના આ સંસ્કારો સર્વે સંતાનોમાં ઊતરે છે. આ સાત જોગમાયાઓ તો આદ્યશકિતના અવતાર / અંશરૂપે હતા એ સૌએ જાણ્યું ત્યારે લોકોની દૃષ્ટિ આ બાળકો પ્રત્યે પૂજયભાવની થઇ ગઇ. એકવાર ખોડલ શિવમંદિરેથી દર્શન કરીને ઘેર પાછી ફરતી હતી ત્યારે તેના પગમાંથી કંકુ ઝરવા લાગ્યું અને તેની પાછળ પાછળ તેના કંકુના પગલા પડતા જોઇને સૌ આશ્ચર્યથી દંગ થઇ ગયા. હવે બધાને ખબર પડી ગઇ કે ખોડલ આદ્યશકિતનો અવતાર છે ત્યાર પછી તો લોકો દૂર - દરૂના ગામોમાંથી ખોડીયારના દર્શન કરવા આવવા લાગ્યા અને તેને પગે લાગીને આશિર્વાદ માંગવા લાગ્યા.

      એક વખત ગામના ગોવાળ વીકાને ખોડલની પરીક્ષા લેવાનું મન થયું. તે એક વસૂકી ગયેલી ગાયને ખોડલ પાસે લાવીને કહેવા લાગ્યો કે   ,    હે! ખોડલ   ,    આ ગાય વસૂકેલી છે એ જો દૂધ દેવા લાગે તો હું માનું કે માનું કે તુ સાચી માઁ જગદંબાનો અવતાર છે. આ સાંભળી ખોડલે કહ્યું - અરે વીકા કાકા   !    હું કયારેય એવું નથી બોલતી કે હું જગદંરબાનો અવતાર છેું પણ તમારે આ ગાયનું દૂધ પીવું છે ને   ?    લો હું દોહી આપું. આટલું કહી ખોડલ ઘરમાંથી બોઘરણું લાવી અને પાણીથી આંચઇ ધોઇને તે દોહવા લાગી અને દૂધનો સેરો વછૂટવા લાગી. થોડીવારમાં દૂધનું આખું બોઘરણું ભરાઇ ગયું. વીકો તો ફાટી આંખે આ જોઇ રહ્યો અને યંત્રવત બોઘરણામાંથી છાલીયુ ભરીને અમૃત જેવું મીઠું દૂધ પી ગયો અને પછી    '   જય જગદંબા   '    કહીને ખોડલના પગે પડીને રડવા લાગ્યો. મને માફ કરજો માઁ! મારી ભૂલ થઇ ગઇ. મેં તમારી પરીક્ષા  લીધી   ,    મારાથી પાપ થઇ ગયું. આ સાંભળી ખોડલે વીકાને બે હાથ ઝાલીને ઊર્ભો કર્યો અને કહેવા લાગ્યા   ,    તમે તો મારા કાકા છો   ,    તમારાથી મને પગે ન પડાય. ત્યાર પછી તો ખોડલને ત્યાં વસૂકેલી ગાયો અને ભેંસોને દૂઝતી કરવા લોકોનો મેળો ઊભરાવા લાગ્યો. ખોડલ તો હસતાં - હસતાં બધી ગાયો - ભેંસોને દોહી દેતા અને કહેતા કે વસૂકેલી હતી જ નહીં અને પછી તો બધી ગાયો અને ભેંસો વીંયાવા લાગી અને વાછરડાં તથા પાડરડાને જન્મ આપવા લાગી. ગામેગામ ખોડલના ચમત્કારોની વાતો ચર્ચાવા લાગી. રોજ ગામેગામથી નરનારીઓ ખોડલના દર્શને આવવા લાગ્યા. રાજા શિલાદિત્યે પણ આ વાત અનેક મુખેથી સાંભળી. ખોડલે શિલાદિત્યને પણ પરચો બતાવી પિતાના અપમાનની યાદ આવી. રાજાએ ખોડલના પગે પડીને ભૂલની માફી માંગી. આ સમયે મામડદેવે ખોડલને વિનંતી કરી કે રાજાને ક્ષમા કરી તેન આશિર્વાદ આપો. ખોડલ હવે ખોડિયાર રૂપે પ્રગટ થઇને બોલ્યા - હે રાજા! મારા પિતાની આજ્ઞા છે તેથી હું તને આશીર્વાદ આપું છે કે   ,    કોઇ પરદેશી રાણી થકી તને સંતાનો થશે અને તેના થકી તારો વંશ વધશે અને તું સુખી થશે. - ખમ્મા! ખમ્મા! દયાળુ માઁ ખોડીયાર - કહેતો રાજા માતાજીને વારંવાર પ્રણામ કરવા લાગ્યો. આ પછી રૂદ્ર રૂપ છોડીને માઁ ખોડીયાર સૌમ્ય રૂપે બાલીકાના સ્વરૂપમાં આવી ગઇ અને સૌને એક હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા. રાજાએ ફરીને મામડદેવને રાજયના સર્વોચ્ચ અધિકારી તરીકે નિયુકત કર્યા. રાજાએ ખોડીયાર માતાજીની પ્રતિમા રાજ - દરબારમાં પધરાવીને તેને પોતાના કૂળદેવી તરીકે સ્વીકાર કર્યો. રાજા રોજ તેની સ્તુતિ કરતા અને તેમની સલાહ વગર કોઇ કાર્ય ન કરતા. રાજયમાં કોઇ ભૂખ્યું - તરસ્યું ન રહે તે માટે માઁ ખોડીયારની સલાહ મુજબ કાયમી સદાવ્રત શરૂ કરી દીધું. રોજ સેંકડો ભૂખ્યા મનુષ્યોને ભોજન અને પશુઓને ચારો મળવા લાગ્યા. આમ   ,    ખોડીયારનો જય જયકાર થવા લાગ્યો. લોકોના દુઃખ   ,    દરિદ્રતા દૂર કરવા માઁ ખોડીયાર દિવસ - રાત પ્રવૃતિ કરતા રહેતા   ,    નિર્ધનને ધન આપતા   ,    દુઃખીઓના દુઃખ દૂર કરતા   ,    સૌને સાચું માર્ગદર્શન આપી સંસારના દુઃખો દૂર કરતા હતાં.

      હવે માઁ ખોડીયારના માતા - પિતા વૃદ્ધ થયા હતાં. એ અરસામાં માઁ નવદૂર્ગા તરફથી ખોડલને તથા તેની બહેનોને આદેશ મળ્યો કે માતાપિતા છે ત્યાં સુધી રોહીશાળામાં રહીને તેમની સેવા કરવી   ,    તે પછી વિશ્વકલ્યાણ અર્થે પોતાનું સ્થાન નક્કી કરી હંમેશા માટે ત્યાં સમાઇ જવું અને તેના અંશ રૂપે વિશ્વકલ્યાણની પ્રવૃતિ કરવી. આ અનુસાર માતાએ જુદા - જુદા સ્થાને પોતાના સ્થાનો નક્કી કર્યા   ,    જેમાં ગળધારાએ સૌથી વધુ પ્રખ્યાત છે. માતાજીએ લીલાકાર્ય પૂર્ણ થતા પોતાના દેહને આ ધરામાં ઓગાળી નાંખ્યો. માત્ર મસ્તક જ બહાર રહ્યું એ મસ્તક સ્વયંભૂ છે. મંદિરમાં માઁના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો - મહંતોની અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો કહેવાય છે. રા   ,    નવઘણનેે માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. નવઘણ (ઇ.સ. ૧૦૨૫) ખોડીયાર માઁની માનતાથી આવેલો પુત્ર હતો. રા   ,   દયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઇ ત્યારે તેના પટરાણી સોમલદેવે આઇ ખોડીયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી.

      સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને માઁ ખોડીયારની કૃપાથી નવઘણનો જન્મ થયો. ગળધરાની જેમ ભાલથી પંદર કિલોમીટર દૂર રાજપરા ગામની નજીક તાંતણીધરા નામનું સ્થાનક પ્રસિદ્ધ છે. ઉપરાંત માટેલનો માટલીયો ધરો   ,    હીરણ નદીના કાંઠે આવેલો ગાંગડીયો ધરો વગેરે એનક સ્થાનકો છે. જાહલને જયારે સિંઘના સુમરાએ કેદ કરી ત્યારે તેણે નવઘણને મદદ કરવા પત્ર લખ્યો હતો. નવઘણે જયોર સિંધ પર ચઢાઇ કરી ત્યારે માઁ ખોડલે નવઘણના ભાલા પર બેસીને સહાય કરી હતી. નવઘણ જયારે જૂનાગઢનું સૈન્ય લઇને સિંધ જવા નીકળ્યો ત્યારે હળવદથી ખોડબંદર પડાવ નાખ્યો હતો. આ ખોડ ગામ ખોડીયાર માતાના પરમ ભકત આઇ વરૂડીનું હતું. આઇ વરૂડીએ રા   '   નવઘણ અને આખા સૈન્યને એક જ કુલડીમાંથી જમાડયા હતાં. નવઘણે આનું રહસ્ય પૂછતાં વરૂડી આઇએ કહ્યું હતું કે   ,    આ ખોડીયાર માતાજીનો ચમત્કાર છે. આ પ્રમાણે ખોડીયાર માતાના આશીર્વાદથી નવઘણ અને તેનું સૈન્ય દરિયો પાર કરી શકયા હતા અને સિંધમાં જઇને સુમરાને યુદ્ધમાં હરાવ્યો હતો ત્યારબાદ માઁ ખોડીયારે નવઘણને સામેથી આવીને સાક્ષાત દર્શન દીધા હતાં.

      લેઉવા પટેલકણબીમાં ૧૬ કૂળદેવીઓ છે. તેમાં એંસી ટકા લેઉવા પટેલોના કૂળદેવી આઇ ખોડીયાર છે. આ ઉપરાંત ક્ષત્રીય   ,    બ્રાહ્મણ   ,    વૈશ્ય તથા ઉચ્ચ અને મધ્યમ વર્ણના મોટાભાગના લોકોના કૂળદેવી ખોડીયાર માતાજી છે. ખોડીયાર સહિત સાત બહેનોની પૂજા   ,    અર્ચના કે વિધિ - વિધાન બધાના સાથે જ થાય છે. સાત વિશિષ્ટ દૈવીશકિતવાળા આ મંડળમાં કેન્દ્ર સ્થાને આઇ ખોડીયાર છે. બારોટોની વહીઓ અને માદા વંશના રાવળોના ચોપડાઓને ધ્યાનમાં લેતાં માઁ ખોડીયારનો જન્મ મહાસુદ પાંચમ   ,    ગુરૂવારે સવંત ૮૦૭ એટલે કે ઇ.સ. ૭૫૦ની આસપાસ થયોહ તો અને તેનુ લીલારૂપ જીવન એકસો વર્ષનું હતું.

      સમાજના હર હિન્દુવર્ણના લોકોમાં ખોડીયાર નામનો મહીમા એટલો મોટો છે કે તેના ઉપાસકો   ,    ભકતો   ,    ચાહકો અને શ્રદ્ધાળુઓ પોતાના મકાનો   ,    દુકાનો   ,    કારખાનાઓ અને વાહનો પર પણ ખોડીયાર માતાજીના નામ રાખે છે. ભાવનગર તથા અમદાવાદ પાસે ખોડીયાર રેલવે સ્ટેશનો પણ છે. મોટા શહેરોમાં અનેક વસાહતોમાં ખોડીયાર કોલોની છે. સેંકડો ઉદ્યોગો ખોડીયાર નામ સાથે સંકળાયેલ છે. અનેક કૂવાઓ   ,    વાવ અને ધરાઓના નામ ખોડીયાર છે. ધારી પાસે ખોડીયાર ડેમ પણ છે. ગુજરાત   ,    સૌરાષ્ટ્ર   ,    કચ્છ અને રાજસ્થાનમાં ખોડીયાર માતાજીના અસંખ્ય મંદિરો છે. તેના પ્રાગટયને બાસરો વર્ષ થઇ ગયા છતાં આ કળીયુગમાં અઢારેય જ્ઞાતીનો સમુદાય તેને માને છે અને પૂજે છે. આઇ ખોડીયારને નીવેદમાં મોટા ભાગે લાપસીને માઁને ધરવામાં આવે છે. ઉપરાંત તલવટ   ,    ચોખા   ,    ચુરમુ અને સુખડી પણ હોય છે. માતાજીનું વાહન મગર છે. માતાજી તેના નાનાભાઇ મેરખીયાને સર્પદંદ થયો ત્યારે જેને તળીયું નથી એવો ઊંડો ગળધરો કે જેનું જોડાણ પાતાળલોકો સાથે છે એ રસ્તેથી માતાજી પાતાળમાંથી અમૃતકુંભ લેવા ગયા હતા ત્યારે પાછા વળતી વખતે વાહન તરીકે મગર રાખેલ. ખોડીયાર માતાનું પ્રતીક દેવચકલી છે જે પવિત્ર અને શુકનવંતી ગણાય છે. માતાજીનું આયુધ ત્રિશૂલ છે. ભારતમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ માતાજીના અસંખ્ય ભકતો છે. ખોડીયાર માઁનો મહિમા લખવા અનેક ગ્રંથ પણ ઓછા પડે. (૩૦.૮)

      લેખન નારણભાઇ પટેલ-નવાગઢ

   
 (04:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS