Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

વાઈબ્રન્ટ સમિટ : આઈટી ક્ષેત્રમાં ૧૬૦૦૦ કરોડના એમઓયુ થયા

બાયો ટેકનોલોજી ક્ષેત્રમાં ૫૦૨૨ કરોડના એમઓયુ કરાયા : બાયો ટેકનોલોજી, આઈટી ક્ષેત્રે થયેલા એમઓયુ, ફાર્મસી, કૃષિ, પર્યાવરણ, ઉદ્યોગ અને મરીન ક્ષેત્રે વિકાસની નવી તકો સર્જાશે : શિક્ષણ પ્રધાન ચુડાસમા

   અમદાવાદ, તા.૧૧ : ગુજરાત વાઈબ્રન્ટ ૨૦૧૭ના ભાગરૂપે હજુ સુધી ૨૪૩૭૨ મૂડીરોકાણ સાથે સંબંધિત એમઓયુ મળ્યા છે. જે પૈકી ૨૨ સેકટરોમાંથી ૫૮૮૬ મળ્યા છે અને ૧૮૫૧૬ એમએસએમઈ સેકટર સાથે જોડાયેલા છે. આ અંગેની પુરતી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી ચુકી છે. ૨૧મી સદીમાં સૌથી વધુ વિકાસની શકયતા ધરાવતા બાયોટેકનોલોજી ક્ષેત્રે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ અંતર્ગત ૩૭ કંપનીઓ દ્વારા ૫૦૨૨ કરોડના ૫૪ એમઓયુ અને આઈટી ક્ષેત્રે ૧૬૦૦૦ કરોડના ૭૯ એમઓયુ થયા હતા. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નોબેલ લોરિએટ્સ ડૉ. હેરોલ્ડ વાર્મસ, ડૉ. વિજય રાધવન, સેક્રેટરી, બાયોટેકનોલોજી, ભારત સરકાર તથા બાયોટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે સંકળાયેલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત બાયોટેકનોલોજી વિષય પર યોજાયેલા સેમિનારમાં પ્રારંભમાં  રાજય સરકાર સાથે આ એમઓયુ સંપન્ન થયા હતા. બાયોટેકનોલોજી ક્ષેત્રે એમઓયુ કરનાર કંપનીઓમાં ૧૪ કંપનીઓએ ફાર્મા અને હેલ્થકેર બાયોટેકનોલોજી ક્ષેત્રે ૨૨૨૮ કરોડ, ૪ કંપનીઓએ ઈન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી ક્ષેત્રે ૨૦૭૬ કરોડ, ૩ કંપનીઓએ બીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૬૦૫ કરોડ, ૧૫ કંપનીઓે કૃષિ બાયોટેકનોલોજી ક્ષેત્રે ૯૩.૧ કરોડ, પાંચ કંપનીએ પર્યાવરણ બાયોટેકનોલોજી ક્ષેત્રે ૨૯.૫ કરોડ, ૪ કંપનીઓએ બાયોસર્વિસ ક્ષેત્રે ૨૪ કરોડ, ૩ કંપનીઓએ મરિન બાયોટેકનોલોજી ક્ષેત્રે ૨૦.૫ કરોડ, ૨ કંપનીઓએ બાયોઈન્ફોર્મેટિકસ સેવાઓ ક્ષેત્રે ૩.૭ કરોડ અને ૧ કંપનીએ બાયોટેકનોલોજી ઈન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રે ૨ કરોડના રોકાણના ઈરાદાઓ વ્યક્ત કરતા એમઓયુ ગુજરાત સરકાર સાથે કર્યા છે. આમાંની ૩૭ કંપનીઓએ બાયોટેકનોલોજી ક્ષેત્રે નવા ઉદ્યોગોનો પ્રારંભ કરવા માટે ૪૮૨૨ કરોડ અને ૧૫ કંપનીઓએ બાયોટેકનોલોજીના પોતાના હાલના ઉદ્યોગોના વિકાસ માટે ૨૬૯ કરોડના એમઓયુ કર્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ૨૧મી સદીને બાયોટેકનોલોજીની સદી લેખાવતાં જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી ક્ષેત્રે થયેલા આ એમઓયુના કારણે રાજયના કૃષિ, પર્યાવરણ, આરોગ્ય, ફાર્મસી, ઉદ્યોગ, બીટી, મરિન જેવા અનેક ક્ષેત્રોને વિકાસની નવી તક સાંપડશે. રાજયના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે રાજય સરકારે આરોગ્ય, કૃષિ ઉદ્યોગ સ્ટાર્ટઅપ જેવી અનેક પોલીસીઓ જાહેર કરી છે તેમાં બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગોના વિકાસ સાથે ૧ લાખ રોજગારીની તક ઉભી કરશે. અંદાજે ૧૫૦૦૦ કરોડના ટર્નઓવરની શક્યતા ધરાવતા બાયોટેકનોલોજી ઉદ્યોગોના આધારે રાજયમાં બાયોટેકનોલોજી પાર્કસ અને બાયોટેકનોલોજી યુનિટસને પણ પ્રોત્સાહન મળશે ઉપરાંત સ્ટાર્ટઅપ, સંશોધન વગેરેને પણ વેગ મળશે. સમગ્ર દેશમાં વર્ષ-૨૦૦૫માં બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગોનો વિકાસ ૧.૧ બિયિયન યુએસ ડોલરમાં હતો જે આજે ૭ બિલિયન યુએસ ડોલર્સે પહોંચ્યો છે. જે વર્ષ ૨૦૨૫માં ૧૦૦ બિલિયન યુએસ ડોલર્સે પહોંચે તેવી સંભાવના છે. ચુડાસમાએ બાયોટેકનોલોજી ક્ષેત્રે વિકાસ માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી ક્ષેત્રે કંપનીઓ કાર્યરત હતી જ્યારે આજે ૧૭૫ કંપનીઓ બાયોટેકનોલોજી ક્ષેત્રે વિવિધ ઉદ્યોગોમાં સક્રિય છે, જે રાજયને અંદાજે ૪૫૦૦ કરોડની મહેસુલી આવક અપાવે છે તેમાં ફાર્મા બાયોટેકનોલોજી એગ્રી બાયોટેકનોલોજી, એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગો અગ્રીમ સ્થાને છે.

 (09:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS