Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

પડકારો છતાંય લોકોના ટેકાથી ભારતનું અર્થતંત્ર સ્વચ્છ બન્યું

વાઈબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે ખાસ સેમિનારનું આયોજન કરાયું : ટીકાઓનો સામનો કરવાની સમર્થતા હોય તો જ સુશાસનની ફૂટ પ્રિન્ટ છોડી શકાય : અન્યથા રૂટીન શાસન આપી શકાય છે : અરૂણ જેટલીનો અભિપ્રાય

   અમદાવાદ, તા.૧૧ : કેન્દ્રીય નાણા મંત્રી અરૂણા જેટલીએ જણાવ્યું હતું કે, મે-૨૦૧૫માં કેન્દ્રમાં નિર્ણાયક નેતૃત્વ આવ્યા પછી અર્થતંત્રના પુનર્ગઠન માટે હિંમતભર્યા અને બોલ્ડ નિર્ણયો લેવાયા છે આવા નિર્ણયો લેવા માટે નેતૃત્વ પાસે તાકાત અને ટીકાઓનો સામનો કરવાની હિંમત જોઈએ. જો આ ન હોય તો માત્ર રૂટીન શાસન જ આપી શકાય. આવનારા યુગો માટે સુશાસનની ફુટ પ્રિન્ટ ન છોડી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસને ગતિ આપનારા અને દિશા બદલનારા અનેક નિર્ણયો લેવાયા છે. તેનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, ધણા પડકારો આવ્યા પરંતુ દેશના લોકો તરફથી આ નિર્ણયોને પોપ્યુલર પીઠબળ મળ્યું એટલું જ નહીં, પારદર્શીતા ઈચ્છતા દેશવાસીઓ તરફથી પ્રેરણાદાયી પ્રતિભાવો મળ્યા અને એટલે આજે ભારતનું અર્થતંત્ર વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે. આઠમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કામગીરીની શરૂઆત સમગ્ર ભારતના આર્થિક વિકાસ માટે સૌથી મહત્વના એવા સેમિનાર ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ ગેંમ ચેન્જર ફોર ધી ઈન્ડિયન ઈકોનોમી સાથે થઈ હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ઉપસ્થિત ભારતભરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વાણિજ્ય સાથે સંકળાયેલા હજ્જારો, લોકોને સંબોધતાં નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, છેક ૧૯૯૬થી ડબલ ટેક્ષેશન ટ્રીટી વિષે ચર્ચા વિચારણાઓ થયા કરે છે. પરંતુ નક્કર કામગીરી થતી નોતી. આભાસી અર્થતંત્રનો વિકાસ ગંભીર બાબત છે, એને અટકાવવા સંસદમાં જીએસટી એમેન્ડમેન્ટ પાસ કરવામાં આવ્યું છે દરેક અંદાજપત્ર પછી દેશમાં સબસીડીના એકીકરણ વિષે વાતો થતી હતી, જ્યારે ગયા વર્ષે આ સરકારે આધાર લો પસાર કરીને સબસીડીના લાભો સીધા લોકો સુધી પહોંચાડી દીધા. અર્થતંત્રમાં સુધારો લાવવાની બાબતો અને નિર્ણયો એકમેક સાથે જોડાયેલી છે એમ કહીને મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર, ૨૦૧૬થી ભારતીય ચલણમાંથી હાઈવેલ્યુ નોટ્સ બદલવાનો નિર્ણય લેવાયો. ખરેખર આ ખુબ જ અધરો નિર્ણય હતો. ભવિષ્યને વધુ ઉજ્જવળ અને સમૃદ્ધ બનાવતો કોઈપણ નિર્ણય તેના અમલીકરણના શરૂઆતના તબક્કામાં પીડાદાયક લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આ નિર્ણય લાંબાગાળે દેશની પ્રગતિનો રોડ મેપ બનશે. ચલણના અતિરેકના અનેક અવગુણો છે, એમ કહીને અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ચલણના અતિરેકથી લાલચ પણ વધે છે. વિતેલા વર્ષોમાં આપણે એની વિપરીત અસરો સહન કરી છે. વર્ષ ૨૦૧૬ના અંતિમ દિવસોમાં લેવાયેલા મહત્વના નિર્ણયોથી ભારતનું અર્થતંત્ર ડિજિટાઈઝ્ડ ઈકોનોમીમાં રૂપાંતરિત થવા જઈ રહ્યું છે. બેન્કીંગ સિસ્ટમના ટ્રાન્ઝેક્શનથી ભારતનું અર્થતંત્ર સંપૂર્ણ પણે વાસ્તવિક અર્થતંત્ર થઈ જશે. જીએસટી સહિતના તમામ નિર્ણયોને સફળ બનાવવામાં દેશ રાજયો ઉદ્યોગગૃહો, વેપારીઓ, વપરાશકર્તાઓ અને નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરતાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, જો આમ થશે તો ભારતનું અર્થતંત્ર વધુ સ્વચ્છ અને વધુ વિશાળ અર્થતંત્ર બનશે.

 (08:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો