Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

સર્વાંગી શહેરી વિકાસ, સ્માર્ટ સિટીથી કલેવર બદલાયા છે

કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રી નાયડુનો અભિપ્રાય : દેશભરના શહેરો અને રાજ્યોની વચ્ચે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા શહેરીકરણ સમસ્યાને સ્થાને વિકાસની નવતર તકો

   અમદાવાદ, તા.૧૧ : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ના બીજા દિવસે યોજાયેલા સ્માર્ટ એન્ડ લિવેબલ સીટીઝ ઓપોર્ચ્યુ નીટી એન્ડ ચેલેન્જીસ સેમિનારમાં કેન્દ્રના શહેરી વિકાસ મંત્રી વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠલ હવે દેશભરમાં બદલાવ આવી રહ્યો છે. એટલું જ નહીં લોકોનો અભિગમ પણ હવે વિકાસાભિમુખ દિશા તરફ બદલાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી શહેરોના દ્રશ્યચિત્રો બદલાઈ રહ્યા છે. ફુટપાથ અને સાયકલ ટ્રેકથી લઈને બીઆરટીએસ, મેટ્રો, ફલાય ઓવર્સ દ્વારા દેશભરના શહેરો નવી અત્યાધુનિક માળખાકીય સુવિધાઓથી સજજ થઈ રહ્યા છે. ભારત સરકારે શહેરીકરણને સમસ્યા નહીં, વિકાસની નૂતન તક તરીકે મુલવીને શહેરોના સર્વાંગી વિકાસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી છે, તેમ જણાવતા નાયડુએ ભારતના શહેરોના વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને અન્ય આનુષાંગિક વિકાસ કાર્યોના નિર્માણથી વિપુલ તકોનો ચિતાર આપી વૈશ્વિક રોકાણકારોના આ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશના નાગરિકોનો અભિગમ હવે બદલાઈ રહ્યો છે અને એટલે જે દેશભરના શહેરો રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે જે રાષ્ટ્રના વિકાસ માટે અતિ મહત્વરૂપ ઘટના છે દેશભરનાં શહેરોને હવે ઉપલબ્ધ સુવિધાઓના આધઆરે ક્રેડીટ રેન્કીંગ આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતનું અમદાવાદ શહેર એએ રેન્કીંગ દ્વારા દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નાયડુએ શાસન વ્યવસ્થામાં પ્રોપિપલ અને હકારાત્મક અભિગમ દ્વારા નવા જ પરિણામો મેળવી શકાય છે તે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે સાબિત કરી આપી છે તેમ જણાવ્યું હતું તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હવે વિકાસના એજન્ડાને કેન્દ્રમાં રાખતી સરકાર માટે પોપ્યુલિઝમ નહીં, પીપલીઝમ લોકોની જરૂરિયાત જ મહત્વની બની રહી છે. શહેરોના વિકાસ માટે સ્માર્ટનેસ ઈશ્વરદત્તમ આશીર્વાદ નહીં પરંતુ લોકમાનસના ઘડતરથી જ આવી શકે છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, દેશભરમાં ૧૦૦ સ્માર્ટસિટીના નિર્માણ દ્વારા કેન્દ્ર સરકારે શહેરી જીવનની સ્માર્ટનેસને નવી જ દિશા આપી છે તેમણે શહેરોની જેમ જ ગામડાના સર્વાંગી વિકાસ દ્વારા ગુજરાતે સ્થાપેલા વિકાસના નવા જ માપદંડોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત રાજય આજે ઈકોનોમિક એકસપ્રેસ હાઈ વે ઓફ ઈન્ડિયા બની રહ્યું છે. તેમણે વિકાસના ગુજરાત મોડેલને ફલેવર ઓફ કન્ટ્રી ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોનું પ્રથમ તબક્કાનું અંદાજે ૩૬ કિ.મીની કામગીરી વર્ષ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકારના પારદર્શક અને જવાબદેહી વિકાસ અભિગમને કારણે જ દેશભરની શિક્ષણ સંસ્થાઓમાં કન્યાઓ માટે ૪ લાખ ૧૭ હજાર શૌચાલયો બંધાયા છે. પ્રધાનમંત્રીએ લોકોને અપીલ કરી અને ૧ કરોડ ૩૦ લાખ લોકોએ રાંધણગેસની સબસીડી સરકારને પરત કરી આ ઘટના શાસન પ્રણાલીમાં લોકોના વિશ્વાસને પ્રદર્શિત કરે છે. આવો જ જનવિશ્વાસ ડીમોનેટાઈઝેશનને મળ્યો છે જે નજીકના ભવિષ્યમાં આર્થિક વિકાસની નવી દિશા ખોલી આપશે તેમ જણાવી ડીમોનેટાઈઝેશનને તેમણે આર્થિક વિકાસનો મહાયજ્ઞ ગણાવ્યો હતો.

 (08:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો