Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

યુપી ચૂંટણી : કોંગ્રેસ-સપા વચ્ચે ગઠબંધનની ટુંકમાં જાહેરાત થશે

સપ્તાહના અંત સુધીમાં બન્ને પાર્ટી સંયુક્તરીતે ચૂંટણી પ્રચાર કરી શકે : ડિમ્પલ યાદવ અને પ્રિયંકા પણ પ્રચાર કરશે : પ્રિયંકા વાઢેરાની સક્રિય ભૂમિકા રહેશે

   

   

      નવી દિલ્હી   ,   તા. ૧૧: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદથી રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનનો તખ્તો તૈયાર કરી લેવામા આવ્યો છે. હવે માત્ર ઔપચારિકતા બાકી રહી છે. ટુંક સમયમાં જ ગઠબંધનની વિધીવત જાહેરાત કરવામાં આવનાર છે. બન્ને પાર્ટી સંકેત આપી ચુકી છે કે આ સપ્તાહના અંત સુધી બન્ને પાર્ટી સંયુક્તરીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી શકે છે. જેમાં મુખ્યપ્રધાન અખિલેશની સાથે સાથે ડિમ્પલ યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા વાઢેરાનો સમાવેશ થાય છે. એમ માનવામાં આવે છે કે બન્ને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત પ્રિયંકા વાઢેરાની હાજરીમાં જ કરવામાં આવનાર છે. આ બાબતના સંકેત મળી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા વાઢેરાની ભૂમિકા મોટી રહેનાર છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલી પ્રભુત્વની લડાઇના કારણે ગઠબંધનની જાહેરાત કરવામાં વિલંબની સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે અખિલેશ યાદવ તમામ બાબતોને પહેલા નક્કી કરી લેવા ઇચ્છે છે. સમાજવાદી પાર્ટી અને તેના ચૂંટણી પ્રતિક પર તેમના અધિકાર રહેશે કે કેમ તે બાબત અખિલેશ પહેલા નક્કી કરવા ઇચ્છુક છે. સમાજવાદી પાર્ટીની બન્ને છાવણી હાલમાં ચૂંટણી પંચ  સમક્ષ રજૂઆત કરી ચુક્યા છે. સમાજવાદી પાર્ટીમાં જારી ખેંચતાણને લઇને મામલો ચૂંટણી પંચમાં પહોંચી ગયો છે. પક્ષના નિયંત્રણ અને તેના ચૂંટણી પ્રતિક સાયકલના મુદ્દે વિવાદનો અંત લાવવા મુલાયમસિંહ યાદવ અને અખિલેશના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની બે છાવણી દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆત મુદ્દે સુનાવણી ૧૩મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી પંચ આ મામલામાં ૧૩મી જાન્યુઆરીના દિવસે સુનાવણી કરશે. ચૂંટણી પંચ ૧૭મી જાન્યુઆરી પહેલા વિવાદનો અંત લાવવા માંગે છે. કારણ કે   ,    ૧૭મી જાન્યુઆરીના દિવસે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. પંચ દ્વારા ૧૩મી જાન્યુઆરીના દિવસે સુનાવણી કર્યા બાદ પોતાનો આદેશ આપશે. જો નિર્ણય અખિલેશની તરફેણમાં રહે છે તો  તે જ દિવસે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી શકે છે. ૧૩મી જાન્યુઆરીની સુનાવણી માટે બંને પક્ષોને નોટિસ આપવામાં આવી ચુકી છે. અખિલેશ કેમ્પે સપાના સાંસદો   ,    ધારાસભ્યો   ,    એમએલસી અને પ્રતિનિધિઓના હસ્તાક્ષર સાથે એફિડેવિટ સુપ્રત કર્યું છે. બીજી બાજુ મુલાયમની છાવણીએ કહ્યું છે કે   ,    પક્ષના બંધારણ મુજબ મુલાયમસિંહ યાદવ હજુ પણ પાર્ટીના વડા તરીકે છે. મુલાયમના નેતૃત્વમાં જૂથ દ્વારા દાવો કરાયો છે કે   ,    અખિલેશ કેમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટ બોગસ છે. કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે સેક્યુલર તાકાતો એકમત થાય તે જરૂરી છે. ગુલામનબીના નિવેદનને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનના સંકેત તરીકે જોવામાં આવે છે.

       ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા મુખ્યપ્રધાન પદના ઉમેદવાર શિલા દિક્ષિતે કહ્યુ છે કે તેઓ યુવા અખિલેશ અને રાહુલ માટે પીછેહટ કરવા માટે તૈયાર છે. બન્ને તરફથી ચાલી રહેલી તૈયારી ઇશારો કરે છે કે ગઠબંધનને લઇને બન્ને પાર્ટી ઉત્સુક છે. પિતા મુલાયમસિંહ યાદવ સાથે વિવાદ થયા બાદ અખિલેશે આની તૈયારી શરૂ કરી દીધી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અખિલેશે પ્રિયંકા વાઢેરા સાથે વાતચીત કરી હતી.

      આક્રમક તૈયારી શરૂ....

   ¨      ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતથી રોકવા માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ખાસ વ્યુહરચના તૈયાર કરવામાં આવી

   ¨      કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે

   ¨      સપ્તાહના અંત પહેલા બન્ને પાર્ટી સંયુક્ત રીતે પ્રચાર કરવાની શરૂઆત કરી શકે છે

   ¨      પ્રચારમાં ડિમ્પલ યાદવ અને પ્રિયંકા વાઢેરા પણ જોડાશે

   ¨      રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એકસાથે પ્રચાર કરી લોકોને વિશ્વાસમાં લેવાના પ્રયાસ કરી શકે છે

   ¨      સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલી પ્રભુત્વની લડાઇના કારણે ગઠબંધન કરવામાં વિલંબ થઇ રહ્યો છે

   ¨      સમાજવાદી પાર્ટી અને તેમના ચૂંટણી પ્રતિક સાઇકલ પર તેમના અધિકાર રહેશે કે કેમ તે બાબત પહેલા અખિલેશ નક્કી કરી લેવા માંગે છે

   ¨      સમાજવાદી પાર્ટીની સાથે મળીને કોંગ્રેસ પોતાની પ્રતિષ્ઠાને સુધારી દેવાના પ્રયાસ કરી શકે છે.

   
 (01:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો