Akilanews.com Vishe

 

  ‘અકિલા'... વિશે...

 કલમ અને કિ-બોર્ડની કમાલ:-  રબારિકાથી અમેરિકા સુધીના સમાચારોનો ધોધ વહાવતા અકિલાના ભુતકાળ વર્તમાન-ભવિષ્‍યની ઝલક કાઠિયાવાડી પત્રકારત્‍વના ઇતિહાસમાં ઝવેરચંદ મેઘાણીની ખુમારી અને મહાત્‍મા ગાંધીજીનું સત્‍ય ધરબાયેલા છે. અઢી-ત્રણ દાયકા પુર્વે ખબર જગતમાં સવારના દૈનિકોનું સામ્રાજય સ્‍થપાયેલું હતું. ૧૯૭૮ ની સાલમાં ‘અકિલા'નો પ્રારંભ થયો અને કાઠિયાવાડમાં સાંધ્‍ય પત્રકારત્‍વનો યુગ શરૂ થયો. ‘અકિલા'એ વિચાર નવો આપ્‍યો, પણ ખુમારી અને સત્‍યની પરંપરા જાળવી રાખી. આજે ‘અકિલા' કલમ-કિબોર્ડની કમાલથી સૌરાષ્‍ટ્રના અંતરિયાળ રબારિકા જેવા ગામડાથી અમેરિકા સુધી છવાઇ ગયું છે. સોનેરી ભવિષ્‍યની કલ્‍પના જેટલી સુખદ છે એટલું જ એનું નિર્માણ કપરૂ છે. વિચારોના આકાશમાં કલ્‍પનાના ઇન્‍દ્રધનુષ ટીંગાડવા સરળ છે પણ જીવન પ્રાંગણમાં પ્રતિષ્‍ઠિત કરવાનું કઠીન છે. કર્તૃત્‍વની પાષાણરાહોથી પસાર થઇને ‘અકિલા'ને નિર્માણની મંઝીલે પહોંચાડવામાં પૂ. બા-બાપુજીના આશીર્વાદથી ગણાત્રા પરિવારની બંધુ ત્રિપૂટી શ્રી કિરીટભાઇ, શ્રી અજીતભાઇ અને શ્રી રાજેષભાઇને સફળતા મળી છે. યુવા ધરોહર શ્રી નિમિષ ગણાત્રા પણ એજ માર્ગે છે. ‘‘અખબાર કદી સાંજનું હોય શકે''? એવો પ્રશ્ન સહજ હતો ત્‍યારે ઉદાત વિચાર, પ્રશસ્‍ત આચાર અને પ્રસન્ન વ્‍યવહારના અજવાળા વચ્‍ચે અકિલાના ઉજ્જવળ ભવિષ્‍યની કલ્‍પના સાકાર થવાના શ્રી ગણેશ થયેલ. આજે તે સ્‍વપ્‍ન સંપૂર્ણ સાચુ બન્‍યુ છે. પડકારોની સાથે પ્રિત કરીને જીતની નવી રીત અકિલાએ ઉજાગર કરી છે. પ્રારંભથી જ પર્યંત અનેક કસોટીમાંથી પાર ઉતર્યા છીએ. સ્‍પર્ધાની તોફાની હવામાં અકિલા એકધારી પ્રગતિના માર્ગે અણનમ રહ્યું છે. વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, અકિલાના સિધ્‍ધાંતોનો દીવડો તો'ય ન બુઝાય... ૧૯૯૦ના વર્ષ બાદ ‘અકિલા'એ કાઠુ કાઢયું, પરંતુ પત્રકારત્‍વ ક્ષેત્રે ગણાત્રા પરિવાર આઝાદીકાળથી સેવારત છે. ‘અકિલા'ના વર્તમાન તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના પિતાશ્રી ગુણવંતરાય લાલજીભાઇ ગણાત્રા (બાબુભાઇ ગણાત્રા)એ ‘જય સૌરાષ્‍ટ્ર' અખબારના તંત્રી પદે રહી, આઝાદી જંગ વેળાએ અંગ્રેજી શાસન સામે કલમની તાકાત દેખાડી નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ પૂર્વે શ્રી અજિતભાઇ ગણાત્રાના દાદા સ્‍વ. શ્રી લાલજીભાઇ ગણાત્રાએ ‘લોહાણા હિતેચ્‍છુ' અખબારની સ્‍થાપના કરીને જ્ઞાતિમાં જાગૃતિ અભિયાન છેડેલું. આ કલમ વારસો ત્રીજીચોથી પેઢીએ ‘અકિલા' સ્‍વરૂપે દેશ-દુનિયામાં છવાઇ ગયો છે. કોઇ વાદ-વિચારસરણીમાં પડયા વગર પ્રજાવાદના મંત્રને વરેલું ‘અકિલા' કોઇની શેહ-શરમ વગર બેધડક સમાચારો પ્રકાશિત-પ્રસારિત કરી રહ્યું છે. કચ્‍છ-કાઠિયાવાડીઓના દિલોદિમાગમાં ‘અકિલા' સ્‍વજન બનીને વસી ગયું છે. ‘ઇન્‍ડિયન એકસપ્રેસ', ‘ટાઇમ ઓફ ઇન્‍ડિયા', ‘દિવ્‍ય ભાસ્‍કર', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર' જેવા મોટા ગજાનાં સવારના અખબારોએ પોતાની લવાજમ યોજનાની જાહેર ખબરો ‘અકિલા'ને આપી છે. ‘અકિલા' માત્ર સમાચાર પત્ર જ નહિ, સતત ધબકતી સંસ્‍થા પણ છે. લોકો પોતાના વ્‍યકિતગત પ્રશ્નો લઇને આવે છે., ‘અકિલા' તેના ઉકેલ માટે સંનિષ્‍ઠ પ્રયાસો કરે છે. ખાસ વધારો એ ‘અકિલા'ની આગવી વિશેષતા છે. ઉપરાંત ‘અકિલા'એ સ્‍વદેશી વિચાર આત્‍માસાત કર્યો છે. ઓફસેટ પ્રિન્‍ટિંગ મશીન માત્ર મેઇડ ઇન ઇન્‍ડિયા નહિ, મેઇડ ઇન રાજકોટ છે ! ઘર આંગણે પોતાની મિલમાં ઉત્‍પાદિત થતા કાગળમાં ‘અકિલા' પ્રકાશિત થાય છે. આ હતી અકિલાની હાર્ડ કોપીની ઝલક.

 હવે વેબ એડિશનની ઝલક માણીએ

 દુનિયાભરના ગુજરાતી ઘરોમાં ટેકનોલોજી સ્‍વીકારવામાં ‘અકિલા'એ હંમેશા દીર્ધદૃષ્‍ટિ રાખી છે. ભારતમાં સૌરાષ્‍ટ્રમાં ઇન્‍ટરનેટ એટલે શું ? તેની મોટા ભાગના લોકોને ખબર ન હતી ત્‍યારે ‘અકિલા'એ વેબ આવૃત્તિ શરૂ કરી દીધી હતી. ૧પ ઓગષ્‍ટ ૧૯૯૭ના ગુજરાતી વેબ પત્રકારત્‍વમાં ‘અકિલા' એ નવો ઇતિહાસ આલેખ્‍યો હતો. સતત સમાચારો આપતી વિશ્વની પ્રથમ ગુજરાતી વેબ આવૃત્તિ ‘અકિલા' એ પ્રારંભ કરેલી. જે આજે દુનિયાભરમાં પથરાયેલાં ગુજરાતી પરિવારો માટે સ્‍વજન જેવી બની ગઇ છે. વતનના વાવાડ જાણવા માટે દુનિયાભરનાં ગુજરાતીઓ માટે ‘અકિલા'ની વેબસાઇટ અનિવાર્ય બની છે. ‘અકિલા'ના મોભી મેનેજિંગ એડિટર શ્રી કિરીટભાઇ ગણાત્રાએ વેબ એડિશનનું સ્‍વપ્‍ન જોયેલું. આ સ્‍વપ્‍નને સાકાર કરવા શ્રી અજિતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા તથા વેબ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રાનો પૂર્ણ સહયોગ મળ્‍યો તમામના શ્રમ, સૂઝથી વેબ આવૃત્તિનું નિર્માણ થયું છે.અને લાખો વાચકોના પ્રેમથી ‘અકિલા'ની વેબ આવૃતિનું ઘડતર થયુ છે. સમાચાર પત્રની પહેલી ફરજ વાચક સુધી સમાચારો પહોંચાડવાની હોય છે. ‘અકિલા' વેબના માધ્‍યમથી આ ફરજ સંનિષ્‍ઠ બની નિઃસ્‍વાર્થભાવે અદા કરે છે. શરૂઆતમાં ૪૦૦ થી ૫૦૦ વાચકો ધરાવતી ‘અકિલા'ની વેબ આવૃતિને હાલમાં દરરોજ ૯૦,૦૦૦થી વધારે હીટ મળે છે. જે વાચકોના અનરાધાર પ્રેમની સાબિતી છે. ટેકનોલોજી બહુ વિકસી ન હતી ત્‍યારનો સમય પ્રતિકૂળ હતો છતાં ‘અકિલા'એ સમાચારોના પ્રસારણમાં ક્‍યારેય પાછી પાની નથી કરી. વેબ આવૃતિના પ્રારંભે મુંબઈ એસ.ટી.ડી. ફોન લગાવીને વેબ પર સમાચારો મુકાતા, ત્‍યાંથી વેબમાં પ્રસારિત થતા. ગંજાવર ખર્ચ કરીને પણ ‘અકિલા'એ નિઃશુલ્‍ક સમાચાર સેવા ચલાવી હતી અને ચલાવી રહ્યુ છે. દાયકાના વા'ણા વીતી ગયા. અત્‍યાધુનિક ટેકનોલોજી આવી ગઈ, ‘અકિલા'એ અપનાવી લીધી. રાઉન્‍ડ ધ કલોક સમાચારોનું પ્રસારણ અવિરત ચાલી રહ્યુ છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં ભૂકંપ, વાવાઝોડા, અતિવૃષ્‍ટિ જેવી કુદરતી આફતો...અક્ષરધામકાંડ, સરકારની ઉથલપાથલો, રમખાણો જેવી માનવસર્જિત આફતોના તત્‍કાળ અને વધારેમાં વધારે વિગતો સાથેના સમાચારો પ્રસારિત કરવામાં ‘અકિલા' હંમેશા આગળ રહ્યુ છે. વેબ આવૃતિમાં ઓડિયો-વિડીયો અને પી.ડી.ઓફ. ન્‍યુઝ ‘અકિલા'ની અનોખી સિદ્ધિ છે. વેબ એડિશનને વધારેમાં વધારે સુવિધાપૂર્ણ બનાવવાના પ્રયાસો અવિરત ચાલે છે. પૃથ્‍વી પર પથરાયેલા ગુજરાતીઓ ઈ-મેઈલ દ્વારા દરરોજ પ્રસંશાના પુષ્‍પો, સૂચનો અને ઝાટકણી પણ વરસાવી રહ્યા છે. અમને ખૂબ આનંદ થાય છે, પ્રસંશા તો ગમે તેની કરી શકાય પણ ઝાટકણી તો સ્‍વજનની જ કાઢી શકાય, ભાઈ! એ પણ અમે નિખાલસ ભાવે કબુલીએ છીએ કે ઈ-મેઈલનો અવિરત ધોધ ‘અકિલા'ની વેબ આવૃતિના ઘડતરમાં પારાવાર ઉપયોગી બની રહ્યો છે. સ્‍વજન સમા વાચકોના પ્રેમ આગળ ‘અકિલા'એ ઝુકી જવામા ગૌરવની અનુભૂતિ થાય છે.

 ‘અકિલા'નું ખરૂ ઘડતર દેશ-વિદેશમાં પથરાયેલા લાખો વાચકોએ કર્યુ છે, ગુજરાતીઓના અનરાધાર પ્રેમથી ‘અકિલા' છલકી રહ્યુ છે. અંતમાં ‘અકિલા' પરિવાર ખાતરી આપે છે કે પૃથ્‍વી પર પથરાયેલા ગુજરાતીઓના પ્રેમના બળે ‘અકિલા' બમણા જોરથી હરહંમેશ વરસતું જ રહેશે.

નિમીષ ગણાત્રા

Editor: www.akilanews.com

 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS