Samachar Saurashtra

News of Wednesday, 8th February, 2017

ભારતને એમ.આર.ઓ. હબ તરીકે વિકસાવવા સરકાર આતુર

રૂ. ૫,૦૦૦ કરોડના એમ.આર.ઓ. બિઝનેસમાંથી ૯૦ ટકા દેશની બહાર ખર્ચ થાય : છે : નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણીનો પ્રત્યુત્તર

ભારતને એમ.આર.ઓ. હબ તરીકે વિકસાવવા સરકાર આતુર

   જામનગર તા. ૮: ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના મેન્ટેનન્સ, રીપેર તથા ઓવરહોલ (એમ.આર.ઓ.) વ્યવસાયના વિકાસની ઘણી મોટી શકયતાઓ રહેલી છે અને કેન્દ્ર સરકાર પણ આ ક્ષેત્રના વિકાસથી ભારતને એશિયામાં એમ.આર.ઓ.નું મુખ્ય મથક બનાવવા માંગે છે. ભારતના હવાઈ જહાજનો એમ.આર.ઓ. વ્યવસાય લગભગ રૂ.૫,૦૦૦ કરોડનું કદ ધરાવે છે, પરંતુ તેમાંથી ૯૦ ટકા ખર્ચ ભારતની બહાર શ્રીલંકા, સિંગાપોર, મલેશિયા, યુ.એ.ઇ. વગેરે જેવા દેશોમાં કરવામાં આવે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજય મંત્રી શ્રી જયંત સિન્હાએ ફેબ્રુઆરી ૭, ૨૦૧૭ના  રાજયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્ત્।રમાં આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.

   મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ભારત દેશના ટેકનોલોજી તથા કૌશલ્યના આધાર પર સરકાર દેશને એમ.આર.ઓ. વ્યવસાયનું મુખ્ય મથક બનાવવા તેમજ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વિદેશી કંપનીઓને પણ આ સવલત પૂરી પાડવા માંગે છે.

   શ્રી નથવાણી ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં એમ.આર.ઓ. વ્યવસાય વિશ્વના અન્ય દેશોની સરખામણીએ કેવી પ્રગતિ કરી રહ્યો છે, આ પ્રકારની સુવિધાઓના અભાવથી દેશની નાગરિક ઉડ્ડયન કંપનીઓને વિદેશમાં આ પ્રકારની સેવા મેળવવી પડતી હોય તો તેનાથી દેશને વિદેશી હૂંડિયામણમાં કેટલું નુકસાન થાય છે અને આ પ્રકારની સુવિધાઓના વિકાસ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે જાણવા માંગતા હતા.

   મંત્રીશ્રીએ રજૂ કરેલા નિવેદન અનુસાર, ભારતમાં હવાઈ જહાજના મેન્ટેનન્સ તથા રીપેરની સગવડો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ ઓવરહોલિંગની સગવડો પૂરતી નથી. તેથી ભારતની ઉડ્ડયન ક્ષેત્રની કેટલીક કંપનીઓ ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડી.જી.સી.એ.)ની મંજૂરી મેળવેલી વિદેશી કંપનીઓની સેવા મેળવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

   મંત્રીજીના નિવેદન અનુસાર, જો કે, ડી.જી.સી.એ.ની માન્યતા પ્રાપ્ત કંપનીઓ પાસેથી ભારતીય નાગરિક ઉડ્ડયન કંપનીઓ તેમની વ્યાવસાયિક જરૂરિયાતો, મેન્ટેનન્સ પૂર્ણ થયાના સમયગાળા તથા ભાડા કરારની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ સેવાઓ મેળવે છે, એમ મંત્રીજીના નિવેદનમાં જણાવાયું હતું.

   તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ૧૦૯ જેટલાં સ્થળોએ એમ.આર.ઓ. સુવિધાઓ આવેલી છે, જેમાંથી ૦૭ એકમો હવાઈ જહાજના ઓવરહોલની સગવડ ધરાવે છે, જેમાં એર ઇન્ડિયા એન્જિનિયરીંગ સર્વિસ લિમિટેડ (નવી દિલ્હી), એમ.એ.એસ.જી.એમ.આર. એરો ટેકનિક લિમિટેડ (હૈદરાબાદ), જેટ એરવેઝ (ઇન્ડિયા) લિમિટેડ (મુંબઈ), એરવર્કસ ઇન્ડિયા એન્જિ. (મુંબઈ), હિંદુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (કાનપુર), ઇન્ડામેર એવિએશન લિમિડેટ (મુંબઈ) અને એરવર્કસ ઇન્ડિયા એન્જિ. પ્રા.લિ. (હોસુર, તામિલનાડુ)નો સમાવેશ થાય છે. માન્યતા પ્રાપ્ત ૧૦૯ એમ.આર.ઓ. સુવિધાઓમાં અમદાવાદ એરપોર્ટ પર આવેલી સુવિધાનો સમાવેશ થતો હોવાનું પણ મંત્રીજીએ જણાવ્યું હતું.

   મંત્રીજીના નિવેદન અનુસાર, સરકારે ૨૦૧૬-૧૭ના બજેટમાં આ ક્ષેત્રના વિકાસ માટે અનેક જાહેરાતો કરી હતી. એમ.આર.ઓ. માટે ઉપયોગમાં લેવાતી ટૂલ્સ તથા ટૂલ્સ-કિટ્સને કસ્ટમ્સ ડ્યુટીમાંથી બાદ કરાઈ હતી. ડી.જી.સી.એ. દ્વારા માન્યતા પ્રાપ્ત એરક્રાફટ મેન્ટેનન્સ કંપનીઓના કવોલિટી મેનેજર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા ટૂલ્સ તથા ટૂલ્સ-કીટ્સની યાદીને આધારે આ રાહત આપવામાં આવે છે, એમ મંત્રીજીએ જણાવ્યું હતું.

   તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં એમ.આર.ઓ. માટે આવતાં વિદેશી હવાઈ જહાજોને કામગીરીના સંપૂર્ણ સમયગાળા અથવા તો છ મહિનામાંથી જે ઓછું હોય તે સમય દરમિયાન ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. છ મહિનાથી વધારે રોકાણ માટે ડી.જી.સી.એ.ની મંજૂરી જરૂરી છે, એમ મંત્રીજીએ જણાવ્યું હતું.(૨૧.૧૨)

 (12:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS