Mukhy Samachar

News of Wednesday, 8th February, 2017

એર- ઇન્ડિયાના ક્રુ મેમ્બર્સ પર ખાવાનું ચોરવાનો આક્ષેપ

બુફેમાંથી ઉઠાવીને ખાવાની ચીજો ડબામાં ભરીને લઇ જાય છે

એર- ઇન્ડિયાના ક્રુ મેમ્બર્સ પર ખાવાનું ચોરવાનો આક્ષેપ

   મુંબઈ તા. ૮ : લંડનની એક હોટલે એર ઇન્ડિયાના કેબિન ક્રૂ મેમ્બર્સ પર જમવાનું ચોરી કરવાનો આક્ષેપ લગાવ્યો છે. હોટલની ફરિયાદને ગંભીરતાથી લેતાં એર ઇન્ડિયાની આ ફલાઈટ સર્વિસ ડિપાર્ટમેન્ટની એક આસિસ્ટન્ટ જનરલ મેનેજરે પોતાના તમામ ફલાઈટ એટેન્ડન્ટને ચેતવણી આપી છે. ફલાઈટ એટેન્ડન્ટને જારી કરાયેલી વોર્નિંગ નોટમાં આરોપીઓ વિરુદ્ઘ અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે.

   હોટલની ફરિયાદ છે કે કેટલાક કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની સાથે ડબો લઈને આવે છે અને પછીથી જમવા માટે બ્રેકફાસ્ટ બુફે ટેબલ પરથી ખાવાનું પેક કરીને લઈ જાય છે. બુફે સાથે લઈ જવા માટે નથી શીર્ષકવાળી વોર્નિંગ નોટમાં કહેવાયું છે કે અમને લંડનની એક હોટલ દ્વારા એક દુર્ભાગ્યપૂર્ણ ઇ મેઇલ મળ્યો છે. ઇ મેઇલમાં ફરિયાદ કરાઈ છે કે એર ઇન્ડિયાના કેટલાક ક્રૂ મેમ્બર્સ જયારે નાસ્તો કરવા આવે છે ત્યારે પોતાની સાથે ખાલી ડબો લાવે છે. જેમાં તે બુફેમાંથી ઉઠાવીને ખાવાની ચીજો ડબામાં ભરીને લઈ જાય છે.

   નોટમાં ચેતવણી અપાઈ છે કે એર ઇન્ડિયા દોષીઓ વિરુદ્ઘ ગંભીર અનુશાસનાત્મક કાર્યવાહી કરશે. તેમાં કહેવાયું છે કે અમને ખ્યાલ છે કે આમ કરનારા બહુ ઓછા લોકો હશે. અમે આવા લોકોને ઇન્ટરનેશનલ ઉડાણોમાં નહીં મોકલીએ કેમ કે અમે ઇચ્છીએ છીએ કે ઘણા ગાંઠ્યા આવા લોકોના કારણે એર ઇન્ડિયાની છાપ ખરાબ ન થાય.

   એર ઇન્ડિયાના એક પ્રવકતાએ આ પત્ર અસલી હોવા પર શંકા વ્યકત કરી. તેમને કહ્યું કે આમ તો આ પત્ર નકલી લાગે છે કેમ કે એજીએમ ગ્રેડના ઓફિસર્સને આ પ્રકારનો સકર્યુલર મોકલવાનો અધિકાર નથી. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. એર ઇન્ડિયાના કેટલાક કેબિન ક્રૂ મેમ્બર્સે આ વાતને સમર્થન આપ્યું છે કે તેમને આ પ્રકારનો પત્ર મળે છે. તે લોકોએ જણાવ્યું કે સંબંધિત એજીએમને માત્ર ૧૫ દિવસ પહેલાં આ પદ પર પ્રમોટ કરાયા હતા.

   એજીએમની આ વોર્નિંગને ક્રૂ મેમ્બર્સ યોગ્ય ગણતા નથી. એક સિનિયર કેબિન મેમ્બરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે દરેક જગ્યાએ કેટલાક સડેલાં ફળો હોય છે માત્ર કેબિન ક્રૂ મેમ્બર્સની વચ્ચે આવા લોકો છે તેવું નથી.(૨૧.૮)

 (11:34 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS